કોઇપણ સમાજમાં શિક્ષકો ઘણાં મહત્ત્વના ગણાય છે. શિક્ષકો જ સમાજને સારા નાગરિક તૈયાર કરી આપે છે. વિદ્યાર્થીઓ એમના શિક્ષકોમાંથી ઘણી પ્રેરણા મેળવે છે. શિક્ષકો જ વિદ્યાર્થીઓમાં નવું નવું શીખવાની ભૂખ જગાડે છે. વિદ્યાર્થીઓના રસ-રુચિને બરાબર સમજી લઈને શિક્ષકો માતા-પિતાને સમજાવે છે કે, એમનું બાળક ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધશે. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષણ તેમજ તાલીમ આપવાની જવાબદારી નિભાવે છે. મા-બાપ એમના બાળકોને શિક્ષકના હાથમાં સોંપે છે, એ વખતે એમની અપેક્ષાઓ સંતોષવાની જવાબદારી શિક્ષકની ઉપર હોય છે, જેને શિક્ષક વફાદારીપૂર્વક નિભાવે છે. સમાજ વચ્ચે રહીને શિક્ષક લોકો સાથે અનેરો સંબંધ કેળવે છે. ઈન્ટરનેટના ફાયદા અને ગેરફાયદા જો શિક્ષક સમજી લેશે તો એનો બ્હોળો પ્રચાર સમાજમાં થશે. સાઈબર સિક્યોરીટી અંગે શિક્ષકો પુરેપુરા માહિતગાર હશે, તો ઓનલાઈન વ્યવહારમાં શું કાળજી રાખવી તે અંગે તેઓ માર્ગદર્શન આપી શકશે. કમ્પ્યુટર વાપરનાર વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને નેટવર્કના લાભાલાભ વિષે શિક્ષકો સારું જ્ઞાન આપી શકે તો ચાલો હવે આપણે ઇન્ફોર્મેશન સિક્યોરીટી, સાઈબર સેફટી, સાઈબર હુમલાઓ અને ઓનલાઈન સલામતી વિષે થોડા મુદ્દા સમજી લઈએ. જેથી શિક્ષકોની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે.